આવશું…. કદાચ


તારી આંખોમાં પ્રણયનો જામ હશે,
                                      તો આવશું….  કદાચ
હોઠો પર ફક્ત મારું જ નામ હશે,
                                      તો આવશું….  કદાચ
નજર બિછાવી છે તારા ઘર સુધી
રસ્તો ત્યાં સુમસામ હશે.
                                      તો આવશું….  કદાચ
વ્યથાના દરિયામાં ડૂબી રહ્યો છું
કિનારે વસેલું તારું ગામ હશે
                                      તો આવશું….  કદાચ
લોકો છે બે-રહેમ વિષના કટોરા મોકલશે
“મીરાં” બનવાની તારી હામ હશે,
                                      તો આવશું….  કદાચ

લખ મને


તારા ન આવવાનું કારણ લખ મને
થોડીક વેદનાનું રણ લખ મને.
આવવાનો વાયદો પાક્કો કરીને
નહીં આવવાનું આવરણ લખ મને
અહી તો લાગણી સુક્કી  ભઠ્ઠ છે
તારે ગામ જો હોય ફાગણ લખ મને
એમજ આગિયા પાછળ ભટક્યા કરું
છે તારી પાસે સુરજ ઝળહળ લખ મને
સબંધનું નામ ન લખ તો ચાલશે
પરબીડીયામાં કોરો કાગળ લખ મને

ટાઢક થૈ જાય !


આપણી વચ્ચેનો
સબંધોનો સૂરજ
ટીપે-ટીપે
ઓગળી રહ્યો છે
થોડો સમય
કોલ્ડ સ્ટોરેજમાં
મૂકી દઈએ
તો ?

એવું તો શું છે તારા નામમાં


એવું તો શું છે તારા નામમાં
                     કે ચર્ચાય છે આખ્ખાય ગામમાં
એક ઘૂંટે શરાબ ખૂટે જ નહીં
                     નક્કી ક્યાંક કાણું હશે જામમાં
થોડો પ્રેમ અને થોડીક લાગણી મળી
                     શા માટે જાઉં હું પ્રણયના ધામમાં
ધૂપસળી જેવું થોડું જીવી લ્યો ‘આકાશ’
                     યમદૂતને કહેવાશે નહીં કે છું હું કામમાં
એવું તે શું છે તારા નામમાં
                     કે ચર્ચાય છે આખ્ખાય ગામમાં.

નીકળે…..


આંસુમાંથી કંઇક ઘટના નીકળે,
એમાં કોઈ નામ તારું રટતા નીકળે
સીમ, શેરી, રેતી અને દરિયો
સ્મૃતિપટ પર સૌ ભટકતા નીકળે
દર્દ તમે આપ્યું એવું તો પણ
ચરણ અમારા અટકતા નીકળે
અહી માનસ અકબંધ છે જ ક્યાં?
જે છે તે બધા ભટકતા નીકળે
સાંજે આવવાનું કહીને જાય છે
લોકો બધા એમ જ છટકતા નીકળે…

બા હું તો મોટો થઈને


કોઈ કહે હું મોટો થઈને બનીશ એક્ટર
તો વળી કોઈ કહે હું તો બનીશ મીનીસ્ટર
મારે તો ભાઈ બનવું ના એક્ટર કે મીનીસ્ટર
બા, હું તો મોટો થઈને બનીશ ક્રિકેટર
બા, જોને આ કેવા મારે ચોક્કા-છક્કા તેંડુલકર
ને એમ જ રનના ગંજ ખડકતો યાદ છે ગાવસ્કર
બોલીંગમાં બોલાવે બઘડાટી કેવો એ અગરકર
બેટિંગમાં આવીશ ત્યારે સૌ જોવા મારશે ધક્કા
ને ફરમાઇશ કરશે ચોક્કાનીને ફટકારીશ હું છક્કા
વિકેટ કીપિંગ કેવું કરતા કિરમાણીકાકા ટકલા
હું પણ એમજ ઉડાવી દઈશ સ્ટમ્પને ચકલા
લેશનની વાત છોડને મુક એક બાજુ પાટી-પેન
મને લાવીદે આજને આજ બોલ અને બેટ
બા, હું તો મોટો થઈને…

હાઇકુ


ઝાંકળ બિન્દુ
સર્યા ફૂલો પરથી
કોનું રૂદન?
******
બળે દીવડો
શ્રદ્ધાના તેલ વીના
હસે કોડિયું
******
સમણાં ઉગે
આંખોના ખેતરમાં
સમજે કોણ ?
******
આંખના ખૂણે
વાવ્યા છે સપનાના
ગુલમહોર

મુન્નો


        ખી.. ખી.. કરતો એ હસે ત્યારે બિજાને એ જોઈ વિના કારણ હસવુ આવે! કોઇ પ્રવાસી – મુસાફર બસમાંથી નીચે ઊતરે ત્યારે તેને વાંકો વળીને પગે લાગે. બસ સ્ટેન્ડમાંથી ઊપડતી બસના મુસાફરોને હાથ ઊંચો કરીને ‘આવજો’ પણ કરે! કોઇ વખત સોલો ચડે તો ડ્રાઈવર તરફની બસની બારી ઊપર ચડીને હોર્નનું પપુડુ વગાડે અને આ પપુડાનો પો.. પો.. અવાજ સાભળી વળી પાછો ખી.. ખી.. ખી.. કરતો હસ્યા કરે.
        બસસ્ટેન્ડમાં પ્રવાસી મુસાફરોને આ પાગલ છોકરો હસિ મજાક કરાવતો, બધા એને મુન્નો કહીને બોલાવતા. મુન્ન્નો બસસ્ટેન્ડમાં ૩હાઈવે રોડ પર અહી તહી ભટકતો હોય. તેને પૈસાની બહુ લાલચ નહી છતા કોઇ પ્રવાસી ખુશ થઈને ચાર-આઠ આના કે રુપિયો આપે તો સાવ નિખાલસ અને ભોલા બનીને પાછો ખી.. ખી.. ખી.. કરતો હસે અને તે પૈસા તેના મેલાદાટ બુસ્કોટનાં ગજવામા નાખે.
        આમ તો તેને જોઈનેજ ખબર પડી જાય કે આ છોકરો મંદ બુદ્ધિનો હશે. બુસ્કોટ માપ કરતા એકદમ લાંબો પાટલુન પણ કમરના માપથી થોડું પહોળું એટલે નીચે ઉતરી ન જાય તે માટે તેને વારંવાર ઉપર ચડાવવું પડે! વળી ઉનાળો હોય તો પણ બુસ્કોટ ઉપર મેલીડાટ બંડી તટકારી હોય! પગમાં ક્યારેક બૂટ હોય પણ બંને બૂટની વાધરી બંધીજ ન હોય. કોઈ વખત બંને પગમાં અલગ અલગ કલરનાં જુદા જુદા માપનાં સ્લીપર પહેરેલા હોય. માથાના વાળ સાવ અસ્તવ્યસ્ત હોય. બંને નાકમાંથી ગંગા-જમના અખંડ વહેતા હોય! આમ તે બેફિકરો બની પોતાની મસ્તી મજ અહી તહી ભટકતો હોય, ખોડંગાતો હોય તેમ ચાલે એટલે રાસ્તા પરની ધૂળ ઉડાડતો જાય! ચાલતો ચાલતો કોઈ વખત પાવો વગાડતો જાય તો વળી કોઈ વખત ધૂન કે ભજનની એકાદી લીટી આવડી જાય ત્યારે એની મસ્તીમાં એ લલકાર્યા કરે. વળી ધૂન કે ભજન ની થોડી લીટી બોલી લીધા પછી ત્રણ ચાર અલગ અલગ માતાજીનાં નામ લઇને મોટા અવાજે તે માતાજીનો જય પણ બોલાવે.
મુન્નાની ઉમરના ગામના છોકરાઓ મુન્નાને ખીજવે ત્યારે મુન્નો ખુબજ ગુસ્સે ભરાય ખાસ કરીને કોઈ છોકરો તેનો બુસ્કોટ ઉંચો કરે ને તેની ડુંટી દેખાડે ત્યારે મુન્નો એવોતો ગુસ્સે થાય કે જોરથી પેલા છોકરાને ગાળો આપેને પછી રસ્તાપર પડેલ પથ્થર, ઈંટનો કટકો કે ઠીકરું લેવા દોડે એટલી વારમાં પેલા છોકરા ક્યાય રફુચક્કર થઇ જાય!
        બસ સ્ટેન્ડના સિંગ, ચાણાના ફેરિયા કે પાન બીડી વાળા કે ઓટો રીક્ષા વાળા ફુરસદના સમયે ટાઈમ પાસ કરવા મુન્નાને તેમની પાસે બોલાવેને તેની ઢંગધડા વગરની વાતો સાંભળીને ખડખડાટ હસે.
        ઉનાળાની એક ધોમ ધખતી બપોરે આ મુન્નો બસ સ્ટેન્ડની બાજુએથીજ પસાર થતા હાઇવે રોડ પર પાવો વગાડતો જઈ રહ્યો હતો. પાનના ગલ્લે ઉભેલા એક ભાઈ એ મુન્નાને અવાજ મારીને બોલાવ્યો. મુન્નો પાસે આવતાજ પેલા ભાઈએ મુન્નાને પૂછ્યું ‘મુન્ના અત્યારે આમ કઈ બાજુ?’ પાવાવાળો હાથ ઉંચો કરીને મુન્ના એ ટૂંકમાં જવાબ આપ્યો”ફરવા!”
        આવા તડકામાં? પેલા ભાઈએ બીજો સવાલ કર્યો. આ સવાલનો જવાબ દેવાને બદલે તે પાછો ખી.. ખી.. ખી.. કરતો હસવા લાગ્યો અને સામેથી આવતી એક ટ્રકને ટ્રાફિક પોલીસની અદાથી હાથથી એકશન કરતો સાઇડ આપવા લાગ્યો.
        “તારે કઈ ઠંડુ પીવું છે?” આમ સાંભળતાજ મુન્નાએ ફેંટાની એક બોટલ તરફ ઈશારો કર્યોને વળી પાછો એક સાઇડ ઉભો રહીને પાવો વગાડવા લાગ્યો.
        “આને ફેંટા આપજે” પાનવાલાને ઉદ્દેશીને પેલા ભાઈ બોલ્યા, ‘અહી બેસીજા, નિરાંતે અહી બેસીને પી લે’ આ સાંભળતાજ મુન્નો જમીન પર રેતીમાં પલોઠી વાળીને બેસી ગયોને ધીરે ધીરે ફેંટાની બોટલમાંથી ઘૂંટ ફેંટાના પીવા લાગ્યો.
        બરાબર આજ સમયે ૧૦ થી ૧૨ વરસની એક નાની ભિક્ષુક દુકાને હાથ લાંબો કરીને પૈસા માટે ક્ગળતી હતી પણ દરેક દુકાનદાર કંઈજ આપ્યા વગર આ છોકરીને આગળ જવાનું કહેતા. એક દુકાનદાર તો જોરથી તાડૂક્યો ‘જા એય છોકરી આગળ જા નહિ તો…’ ને પછી બબડ્યો: આવા તડકામાં પણ આ માંગવાવાલાઓને જપ નથી. પેલી છોકરીને કોઈંએ ફૂટી કોડી પણ આપી નહિ અને ઉપરથી દુકાનદારો તેને હબેતબે કરતા. પેલી છોકરી નિરાશ થઈને ખાસ્સી આગળ નીકળી ગઈ હતી. આ બધું મુન્નો ફેંટા પીતા પીતા જોઈ રહ્યો હતો. તુરત તેણે અડધી વધેલી ફેંટાની બોટલ એક બાજુ મૂકી દીધીને બગલમાં પાવો ભરાવીને પેલી છોકરી પાછળ દોડ્યોને તે છોકરીને ઉભી રાખીને મુન્ના એ પોતાની બંડીના ખિસ્સામાંથી દશ-બાર રૂપિયાનું પરચુરણ, શીંગ, રેવડી, ચોકલેટ જે હતું તે બધું પેલી છોકરીના હાથ માં આપી દીધુંને બધું નીચે પડી ન જાય એટલે તેની મુઠ્ઠી પણ બંધ કરી દીધી ને પાછો પેલી પાનની દુકાને દોડતો દોડતો આવ્યો ને પછી શરમાતો શરમાતો બોલ્યો, “છોકારીયુને કોણ પૈસા આપે?” ને અર્ધી બચેલી ફેંટાની બોટલની પરવા કર્યા વગર પાછો તેની મસ્તીમાં પાવો વગાડતો વગાડતો થોડે દુર ચાલતો થયો.
        પાનના ગલ્લે ઉભેલા દરેક જણ આ પાગલ છોકરાની આવી હરકત જોઈને સ્તબ્ધ બની ગયા પછી તો દરેકને આ મુન્ના નું ખી.. ખી.. ખી.. કરતું હાસ્ય માર્મિક લાગ્યું. હવેતો મુન્નો ઘણો દુર નીકળી ગયો હતો પણ તેનું મર્મિક હાસ્ય અને પાવાનો બેસુરો અવાજ ઘણા સમય સુધી બધાના કાનમાં અથડાતો રહ્યો.